વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર ખાતે રૂ.૨૮૪ કરોડથી વધુના વિકાસ કાર્યોનો પ્રારંભ




પ્રકાશપર્વ દિવાળી અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરને મોટી ભેટ આપતાં રૂ. ૨૮૪ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે.તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે.
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને ૫૦ બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન સાથે હવે એકતા નગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બંનેને નવી ઉંચાઈ મળી છે.
વડાપ્રધાને ૨૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જેની સાથે ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, ICU, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી પ્રાથમિક આરોગ્યસુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે, ICU ઓન-વ્હીલ્સની નવી સેવાઓ પણ શરુ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે. ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા માટે એકતા નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ્સ બ્યુટીફિકેશન બનાવવામાં આવ્યા છે. ૧૦ સ્માર્ટ બસ સ્ટોપ અને ૧૦ પિક-અપ સ્ટેન્ડના નિર્માણ સાથે નગરની સગવડો વધારવામાં આવી છે, જેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ આ સમારોહમાં થયું.

જુલાઈ ૨૦૨૪માં SAPTI સંસ્થાના સહયોગથી યોજાયેલા ૨૦ દિવસના શિલ્પ સિમ્પોઝિયમના ભાગરૂપે ‘પાણી, પ્રકૃતિ અને એકતા’ પર આધારિત ૨૪ શિલ્પકૃતિઓ બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતા નગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શહેરના પ્રવાસન અને આકર્ષણમાં વધારો કરશે. વડાપ્રધાનશ્રીએ બસખાડીથી વ્યુપોઈન્ટ-૧ સુધીના વૉકવે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું.

વડાપ્રધાને રૂ. ૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું, જે એકતા નગરને હરિત ઉર્જાના માર્ગે આગળ વધારશે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી બોન્સાઈ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ સાથે પ્રકૃતિપ્રેમીઓને અનોખો અનુભવ મળશે.





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *